Wed, Oct 30
Science and Technology
Blood Sugar App: એપલ દ્વારા હાલમાં બ્લડ સુગર એપ્લિકેશન પર કામ કરવામાં આવી રહ્યું હોવાની ચર્ચા છે. હાર્ટ રેટ, ઇલેક્ટ્રોનિક કાર્ડિયોગ્રામ અને બ્લડ ઑક્સિજન બાદ હવે એપલ વધુ એક ફીચર પર કામ કરી રહી છે. આ ફીચર છે બ્લડ સુગર લેવલ ચેક કરવાનું. એપલ હાલ હેલ્થ પર ખૂબ જ ફોકસ કરી રહ્યું છે. આઇવોચમાં પણ હેલ્થને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. તેમના આ ફીચર દ્વારા સુગર લેવલ કન્ટ્રોલમાં રાખી શકાશે તેમજ ભવિષ્યમાં શુગર આવશે કે નહીં એ વિશે પણ જણાવી શકાશે.
શું છે પ્રીડાયાબિટીઝ?
પ્રીડાયાબિટીઝ એટલે કે નોર્મલ સુગર કરતાં વધુ સુગર લેવલ જ્યારે રહે છે, ત્યારે એ બહુ જલદી ડાયાબિટીઝમાં પરિણમે છે. આથી નોર્મલ અને ડાયાબિટીઝ વચ્ચેના લેવલને પ્રીડાયાબિટીઝ કહેવામાં આવે છે. યુઝરને જ્યારે ખબર પડે કે તેનું સુગર લેવલ નોર્મલ કરતાં વધુ છે, ત્યારે તે તેની હેલ્થ પર ખૂબ જ ફોકસ કરી શકે છે અને ડાયાબિટીઝ થવાથી અટકાવી શકે છે. ડાયટમાં પરિવર્તન અને એક્સરસાઇઝથી એ કરી શકાય છે.
શું છે ફીચર?
આ એપ્લિકેશન હજી ટેસ્ટિંગમાં છે. આ એપ્લિકેશનમાં સુગરને ટ્રેક કરી શકાશે. એટલે કે એમાં મેન્યુઅલી સુગર લેવલ એડ કરી શકાશે તેમજ સ્માર્ટ બ્લડ સુગર મોનિટર્સ દ્વારા ઓટોમેટિક પણ એનું ટ્રેકિંગ થઈ શકશે. સુગર છે તેવા યુઝરો કે પ્રીડાયાબિટીઝમાં રહેલા યુઝરો માટે ભોજનનું પ્લાનિંગ કરી આપશે. આના દ્વારા યુઝર હેલ્થી ડાયટ કરી શકશે. પ્રીડાયાબિટીઝમાં ફિઝિકલ એક્ટિવિટી ખૂબ જ મહત્ત્વની છે. આથી આ એપ્લિકેશન ફિટનેસ અને અન્ય એક્સરસાઇઝ એપ્સના ડેટા કલેક્ટ કરીને દરેક પરિબળો પર ફોકસ કરશે. આ એપ્લિકેશનમાં લાઇફસ્ટાઇલમાં શું બદલાવ કરવો અને શું રિસ્ક છે એ વિશે પણ માહિતી આપવામાં આવશે.
આઇવોચમાં હશે ફીચર
સુગર લેવલ ચેક કરવા માટે હાલમાં હાથ પર સોયથી બ્લડ કાઢી તેના દ્વારા ચેક કરવામાં આવે છે. આથી એપલ એવી ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે કે જેમાં આંગળી પરથી લોહી કાઢવાની જરૂર ન પડે. આ ટેક્નોલોજીનો સમાવેશ આઇવોચમાં કરવામાં આવશે. બ્લડ સુગર એપ દરેક ડેટાને આઇવોચની હેલ્થ એપ્લિકેશનમાં પણ મોકલશે જેથી યુઝર તમામ માહિતી એક જ જગ્યાએ જોઈ શકે. આગામી થોડા વર્ષમાં આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી શકે છે. જો પ્લાનિંગ મુજબ થયું, તો આગામી આઇવોચ સીરિઝમાં પણ એ આવી શકે છે.